2005 માં ભારતની સંસદ દ્વારા ધ નેશનલ રુરલ એમ્લોયમેન્ટ ગેરેંટી એક્ટ (નરેગા – રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ) પસાર કરવામાં આવ્યો હતો અને 2 જી ફેબ્રુઆરી, 2006 ના રોજ તે અમલમાં આવ્યો હતો, તે એક સામાજિક અને કાનૂની ધોરણ તરીકે ‘કામ કરવાના અધિકાર’ ની ખાતરી આપે છે. 2009 માં તેનું નામ બદલીને મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્લોયમેન્ટ ગેરેંટી એક્ટ (મનરેગા – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ) રાખવામાં આવ્યું હતું, તે પ્રત્યેક નાણાકીય વર્ષમાં શારીરિક શ્રમથી થઈ શકે તેવું બિનકુશળ કામ કરવા ઈચ્છુક હોય તેવા પ્રત્યેક પરિવારને ઓછામાં ઓછા 100 દિવસના સવેતન રોજગારની બાંહેધરી આપે છે. આ કાયદાના મૂળ મહારાષ્ટ્ર એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એક્ટ, 1972 (એમઈજીએસ – મહારાષ્ટ્ર રોજગાર બાંહેધરી યોજના, 1972) માં છે, કામ કરવાનો અધિકાર સ્વીકારનાર આ સૌપ્રથમ અધિનિયમ હતો, અને તેની સફળતાએ મનરેગા માટેનો માર્ગ મોકળો કર્યો હતો.
મનરેગા એક માંગ-આધારિત કાર્યક્રમ છે, આ કાર્યક્રમ ભારતમાં સૌથી વધુ સંવેદનશીલ પરિવારો માટે આજીવિકા સુરક્ષા ઊભી કરવાના અને વધારવાના વિચારથી શરુ કરવામાં આવ્યો હતો. સરકારી વહીવટના સૌથી નીચેના સ્તરેથી શરુ કરીને તમામ સ્તરે નાગરિકને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવે છે.
મનરેગા કેવી રીતે કામ કરે છે?
આ અધિનિયમની જોગવાઈઓનું આયોજન અને અમલીકરણ કરવામાં પંચાયતી રાજ ઈન્સ્ટિટયૂશન્સ (પીઆરઆઈ – પંચાયતી રાજ સંસ્થાઓ) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે પાયાના સ્તરે વિકેન્દ્રીકરણ અને નિર્ણય લેવાના મહત્વને દર્શાવે છે. જાહેર ગ્રામ સભાઓમાં નાગરિકો સાથે વાતચીત કરીને કામનો પ્રકાર નક્કી કરવામાં આવે છે અને કામની પસંદગી કરવામાં આવે છે, અને ગ્રામ પંચાયતો દ્વારા તેને મંજૂરી આપવામાં આવે છે. ભંડોળનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની સમીક્ષા કરવા રાજ્ય સરકારો માટે આ યોજનાનું સામાજિક મૂલ્યાંકન (યોજના તેના ઈચ્છિત લાભાર્થીઓ સુધી કેટલી અસરકારક રીતે પહોંચી શકી છે અને તેનો ન્યાયી રીતે અમલ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ) હાથ ધરવું ફરજિયાત છે, જેથી જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત થઈ શકે.

કામની ફાળવણી સીધી સરકાર દ્વારા કરવામાં આવે છે, જેમાં કોઈ પણ હિતધારકો વચ્ચે હોતા નથી અને બિનકુશળ શ્રમિકોને પ્રાધાન્ય આપવામાં આવે છે – તેમને ગામથી પાંચ કિલોમીટર ના વિસ્તારમાં રોજગારી આપવી ફરજીયાત છે. આ અધિનિયમ 260 થી વધુ યોજનાઓને ચાર મુખ્ય શ્રેણીઓ હેઠળ વર્ગીકૃત કરવાની મંજૂરી આપે છે: કુદરતી સંસાધન વ્યવસ્થાપન સંબંધિત જાહેર કાર્યો, નબળા વર્ગો માટે વ્યક્તિગત સંપત્તિ, દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ્ર્સ મિશન (ડીએવાય-એનઆરએલએમ – દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) – સુસંગત સ્વ-સહાય જૂથો માટે સામાન્ય માળખાગત સુવિધા અને ગ્રામીણ માળખાગત સુવિધા.
મનરેગા હેઠળ કામ માટે અરજી કરવા ઇચ્છતા પરિવારો માટે ગ્રામ પંચાયત મુખ્ય સુવિધા આપનાર છે. નોંધણી વગરના પરિવારે સૌથી પહેલા તેમની ગ્રામ પંચાયત મારફત જોબ કાર્ડ માટે અરજી કરવી જોઈએ. એકવાર તેમના દસ્તાવેજોની ચકાસણી અને તેમની યોગ્યતાની પુષ્ટિ પછી તેમને જોબ કાર્ડ આપવામાં આવે એ પછી તેમણે રોજગાર માટે અરજી કરવાની રહેશે. વિનંતીના 15 દિવસની અંદર કામ ફાળવવાની અને કામ પૂરું થયાના 15 દિવસની અંદર વેતન આપવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે.
મનરેગા માટે ભંડોળ કોણ આપે છે?
કેન્દ્ર સરકાર શારીરિક શ્રમથી થઈ શકે તેવા બિનકુશળ કામના વેતન માટે 100 ટકા ભંડોળ પૂરું પાડે છે, અને સામગ્રી ખર્ચના 75 ટકા આવરી લે છે. સામગ્રી ખર્ચના પચીસ ટકા રાજ્ય સરકારો ભોગવે છે.
મનરેગા માટે ભંડોળની ઉપલબ્ધતા હંમેશા એકસરખી રહી નથી. નાણાકીય વર્ષ 2008-09 અને નાણાકીય વર્ષ 2009-10 વચ્ચે ભંડોળમાં આશરે 25 ટકાનો વધારો થયો હતો, પરંતુ નાણાકીય વર્ષ 2011-12 પછી તેમાં તીવ્ર ઘટાડો થયો હતો. નાણાકીય વર્ષ 2014-15 થી નાણાકીય વર્ષ 2019-20 સુધી ભંડોળમાં સતત વધારો થયો હતો, પરંતુ નાણાકીય વર્ષ 2020-21 માં તેમાં ફરીથી ઘટાડો થયો હતો. ઘણા વર્ષોથી બાકી રહેલી નાણાકીય જવાબદારીઓ (સંચિત ચૂકવણી) અથવા રાજ્યો દ્વારા કરવામાં આવેલ ખર્ચની રકમ ઉપલબ્ધ ભંડોળ કરતાં વધી રહી છે. આ જવાબદારીઓ વેતન અને સામગ્રી ખર્ચ બંને માટે ચૂકવણીમાં વિલંબના પરિણામે ભેગી થઈ છે અને તેની ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવનાર છે. મનરેગા યોજના હેઠળ ઉપલબ્ધ ભંડોળ ખર્ચને પહોંચી વળવામાં નિષ્ફળ ગયું છે અને ઉપલબ્ધ ભંડોળ સતત નાણાકીય વર્ષના અંત પહેલા જ વપરાઈ જાય છે. અગાઉની યોજનાઓ અધૂરી છોડી દેવામાં આવી હોવા છતાં અમલમાં મૂકવાની નવી યોજનાઓ પણ સતત ઉમેરાતી રહે છે, જે ભંડોળના બિનકાર્યક્ષમ ઉપયોગ તરફ દોરી જાય છે.


નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે મનરેગા બજેટનું વિગતવાર આંકડાકીય વિશ્લેષણ અહીં જુઓ. સરકારી ચુકવણી પ્રણાલીઓમાં સમસ્યાઓ વિલંબનું કારણ શી રીતે બને છે તે વિશે વાંચો.

મહામારી દરમિયાન મનરેગાની કામગીરી કેવી રહી?
કોવિડ-19 નો ફેલાવો બિનકુશળ શ્રમિકો માટે એક મોટો પડકાર હતો. ભારતમાં આશરે 13.9 કરોડ આંતરિક સ્થળાંતરિત શ્રમિકો છે, અને તેમાંથી મોટાભાગના દૈનિક વેતન (દાડિયા મજૂરી) નું કામ કરતા શ્રમિકો છે. ભારતના આંતરિક સ્થળાંતરિતોને સતાવતી અનેક સમસ્યાઓમાંની કેટલીક છે, ગુજરાન ચલાવવા માટે દૈનિક વેતન (દાડિયું) કમાવાનો સંઘર્ષ, અસંગઠિત રોજગાર અને નાણાકીય સુરક્ષાનો અભાવ. મહામારી દરમિયાન લોકડાઉનને કારણે ઉત્પાદન સ્થગિત થઈ ગયું હોવાથી આ સમસ્યાઓ વધુ વકરી હતી. આના કારણે કામના અભાવે પોતાના ગામડાઓમાં પાછા ફરી રહેલા શ્રમિકોની મોટી સંખ્યામાં સામૂહિક હિજરત જોવા મળી હતી.
આ કટોકટી દરમિયાન મનરેગા યોજનાની રોજગારના સ્ત્રોત તરીકેની સંભાવનાને ઓળખીને ભારત સરકારે તેના આત્મનિર્ભર ભારત પ્રોત્સાહન પેકેજ હેઠળ આ કાર્યક્રમ માટે વધારાના 40000 કરોડ રુપિયા ફાળવ્યા હતા. આનાથી નાણાકીય વર્ષ 2020-21 માટે કુલ બજેટ 1 લાખ કરોડ રુપિયા – ભારતના જીડીપીના 0.48 ટકા – થયું હતું. વધુમાં, સરેરાશ વેતન દર 182 રુપિયાથી વધારીને 202 રુપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યો હતો. જોકે, વિશ્વ બેંકના અર્થશાસ્ત્રીઓ સામાન્ય સમયમાં જીડીપીના 1.7 ટકા જેટલું ભંડોળ ફાળવવાની ભલામણ કરે છે.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2020-21 દરમિયાન મનરેગા હેઠળ કામ કરવામાં રસ ધરાવતા લગભગ 39 ટકા જોબ કાર્ડ ધરાવતા પરિવારોને એક પણ દિવસ કામ મળ્યું ન હતું. જે પરિવારોને બંને સમયગાળામાં (કોવિડ-19 પહેલા અને કોવિડ-19 દરમિયાન) કામ મળ્યું હતું તેમને મનરેગામાંથી થયેલી વધારે કમાણીએ આવકનું 20 થી 80 ટકા નુકસાન ભરપાઈ કરી આપ્યું હતું. તેથી સૌથી વધુ સંવેદનશીલ પરિવારોને આવકના નોંધપાત્ર નુકસાનમાંથી બચાવીને મનરેગા યોજના સ્પષ્ટ, ધ્યાનમાં આવે તેવો ફરક લાવવામાં સફળ રહી હતી.
મહામારી દરમિયાન સ્થળાંતરિત શ્રમિકોની મનરેગા યોજનાની પહોંચ વિશે અહીં વધુ વાંચો. કોવિડ-19 દરમિયાન મનરેગાની કામગીરી વિશે અહીં વધુ વાંચો.

ભારતના વિવિધ રાજ્યોમાં મનરેગાની કામગીરી કેવી રહી છે?
મનરેગા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે અને વિવિધ રાજ્યોમાં તેની કામગીરીમાં નોંધપાત્ર તફાવત છે. પરિણામોમાં આવી અસમાનતાનું ચોક્કસ કારણ શોધવા માટે અનેકવિધ સંશોધન અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ સંતોષકારક સમજૂતી મળી શકી નથી. કામની માંગ ઊભી કરવા માટેનું એક મહત્વપૂર્ણ પરિબળ રાજ્ય દ્વારા તેના નાગરિકોને (યોજનાની) માહિતી આપવાના અને અને (યોજનામાં) યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો સાથે સંબંધિત છે. આર્થિક, વહીવટી અને માનવ સંસાધનોની દ્રષ્ટિએ ઉચ્ચ ક્ષમતા ધરાવતા રાજ્ય પાસે તેના નાગરિકોને યોજનાથી વાકેફ કરવાની અને યોજનાનું વધુ સારી રીતે અમલીકરણ કરવાની વધુ સારી તકો હોય છે.
આ અધિનિયમ ભલે 100 દિવસના રોજગારીની બાંહેધરી આપતો હોય, રાષ્ટ્રીય સરેરાશ હંમેશા 50 દિવસથી ઓછી રહી છે. મોટા રાજ્યોની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2020-21માં પ્રતિ નોંધાયેલ વ્યક્તિ દીઠ સૌથી વધુ સરેરાશ રોજગાર છત્તીસગઢ અને જમ્મુ અને કાશ્મીરમાં 18 દિવસનો પૂરો પાડવામાં આવ્યો હતો. ઉત્તરપૂર્વના નાના રાજ્યોમાં આ સંખ્યા મોટી છે, જેમાં મિઝોરમે નાણાકીય વર્ષ 2020-21 માં પ્રતિ નોંધાયેલ વ્યક્તિ દીઠ 86 દિવસનો રોજગાર પૂરો પાડ્યો હતો, જ્યારે નાગાલેન્ડમાં તે જ વર્ષમાં પ્રતિ વ્યક્તિ સરેરાશ 24 દિવસનો રોજગાર જોવા મળ્યો હતો.
નાણાકીય વર્ષ 2020-21 માં છત્તીસગઢમાં 14 ટકાના દરે 100 દિવસનું કામ મેળવનાર પરિવારોની ટકાવારી સૌથી વધુ હતી. નાણાકીય વર્ષ 2020-21 માં ઉત્તર પ્રદેશમાં આ પ્રમાણ 4 ટકા હતું, જ્યારે બિહારમાં માત્ર 0.17 ટકા પરિવારોને 100 દિવસનું કામ મળ્યું હતું.
માનવ-દિવસ (કામ કરતા વ્યક્તિઓની સંખ્યાનો તેઓએ કામ કરેલા દિવસોની સંખ્યાથી સરળ ગુણાકાર) ઉત્પન્ન કરવાની દ્રષ્ટિએ રાજસ્થાન ટોચની કામગીરી કરતું રાજ્ય રહ્યું છે અને 2022 માં રાજસ્થાનમાં શહેરી રોજગાર બાંહેધરી યોજના શરૂ કરવામાં આવી છે. મહામારી પછી રોજગાર ઊભા કરવાની જરૂરિયાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને, તમિળનાડુ, ઓડિશા, હિમાચલ પ્રદેશ અને ઝારખંડે પણ શહેરી વેતન રોજગાર કાર્યક્રમો રજૂ કર્યા છે. મનરેગા હેઠળના કામો માટે હરિયાણા, ગોવા અને કેરળ રાજ્યોમાં સૌથી વધુ દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મનરેગાની કામગીરી વિશે વધુ વાંચો.
શું મહિલાઓને મનરેગાનો લાભ મળે છે?
આ અધિનિયમ મુજબ જે મહિલાઓએ નોંધણી કરાવી હોય અને કામ મેળવવા માટે વિનંતી કરી હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી લાભાર્થીઓમાં ઓછામાં ઓછી એક તૃતીયાંશ મહિલાઓ હોય.
મહિલાઓની કામમાં ભાગીદારીની સંભાવના પર સ્થળાંતર, ઘરમાં કામ કરતા પુરુષોની સંખ્યા અને ઉચ્ચતમ શિક્ષણ સ્તરને કારણે નકારાત્મક અસર પડે છે, જ્યારે એસસી/એસટી સામાજિક જૂથો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યાને કારણે આ સંભાવના પર હકારાત્મક અસર પડે છે.
ડેટા દર્શાવે છે કે મહિલાઓ હંમેશ પુરુષો કરતાં વધારે માનવ-દિવસોની ટકાવારી ઉત્પન્ન કરે છે, 2015-16 અને 2021-22 વચ્ચે આ ટકાવારીનો દર સતત 53 ટકાથી વધુ રહ્યો છે. કેટલાક વર્ષોમાં તો આ આંકડો 56 ટકા સુધી પહોંચી ગયો હતો. કોવિડ-19 પછી – 2020-21 અને 2021-22 માં – મહિલાઓનો હિસ્સો ઘટીને 54.54 ટકા થઈ ગયો હતો, જે ગ્રામીણ શ્રમ બજારમાં ચાલી રહેલું સંકટ દર્શાવે છે.
2017 સુધી ઉત્તર પ્રદેશમાં મનરેગામાં મહિલાઓની ભાગીદારીનો દર સૌથી ઓછો હતો, પરંતુ આ રાજ્ય મહિલાઓની ભાગીદારી સતત વધારી રહ્યું છે અને મહિલા સાથીઓ (કાર્યસ્થળ નિરીક્ષકો) ને તાલીમ આપી રહ્યું છે. (મનરેગા) યોજનામાં સક્રિય હિતધારકો તરીકે મહિલાઓની ભાગીદારી વધે અને તેમને ફક્ત કામના સ્થળો પર શારીરિક શ્રમનું કામ ન કરવું પડે તે હેતુથી માર્ચ, 2021 માં મિનીસ્ટ્રી ઓફ રુરલ ડેવલપમેન્ટે (ગ્રામીણ વિકાસ મંત્રાલયે) મનરેગા હેઠળ મહિલા સાથીઓ કાર્યક્રમની જાહેરાત કરી હતી. પ્રાસંગિક પુરાવા મુજબ મહિલા સાથીઓ વધુ પારદર્શિતા પણ લાવ્યા છે. 2020 માં મનરેગા યોજના હેઠળ મહિલાઓને કામ આપનારા ટોચના રાજ્યોમાં કેરળ (91.41ટકા), પુડુચેરી (87.04 ટકા) અને તમિળનાડુ (84.88 ટકા) હતા. મનરેગા મહિલાઓને શી રીતે મદદરૂપ થાય છે તે વિશે વધુ વાંચો. લિંગ-સમાવેશક રોજગારને ટેકો આપી શકે તેવા નીતિગત હસ્તક્ષેપો વિશે વાંચો.
શું મનરેગા હજી પણ ઉપયોગીછે?
એક સલામતી જાળ તરીકે મનરેગા યોજના હંમેશા એકસરખી રીતે કામ કરતી નથી એ વાતમાં કોઈ શંકા નથી. શરૂઆતથી જ આ અધિનિયમને સતાવતી સમસ્યાઓમાંની કેટલીક છે: ફુગાવાને ધ્યાનમાં રાખીને સમાયોજિત કર્યા પછી પણ ઓછા વેતન દર, અપૂરતી બજેટ ફાળવણી, ચુકવણીમાં નિયમિત રીતે વિલંબ, શ્રમિકોને દંડ, ઓછી સક્ષમ બેંકો, ખામીયુક્ત ડેટા, નિષ્ક્રિય આધાર અને બેરોજગારી ભથ્થાની ચૂકવણી ન કરવી.
શરૂઆતથી જ થયેલી આકરી ટીકાઓ અને અમલીકરણ અને અસરના સંદર્ભમાં મિશ્ર પરિણામો છતાં મનરેગા ભારતમાં સૌથી વધુ સંવેદનશીલ લોકો માટે સલામતી જાળ તરીકે ઉપયોગી છે. આ અધિનિયમની ઉપયોગિતાઅને તેને વધુ અસરકારક બનાવવા માટે કઈ રીતે સુધારી શકાય તેનું વિગતવાર વિશ્લેષણ અહીં વાંચો.
ફેબ્રુઆરી 2022 માં રુરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ) પરની સ્થાયી સમિતિએ આ અધિનિયમનું વિવેચનાત્મક વિશ્લેષણ કરીને કેટલાક ઉકેલો સૂચવ્યા હતા. તેમાં નોંધવામાં આવ્યું હતું કે કોવિડ-19 ના પગલે પડકારોનો સામનો કરવા માટે યોજનામાં સુધારો કરવો જોઈએ, આ યોજના હેઠળ કામના બાંહેધરીકૃત દિવસો 100 દિવસથી વધારીને 150 દિવસ કરવા જોઈએ અને તમામ રાજ્યોમાં સમાન વેતન દર હોવો જોઈએ.
—
Know more
- 2020, 2021 અને 2022 માં મનરેગા માટેની કેન્દ્રીય બજેટ જોગવાઈઓ વિશે વાંચો.
- માત્ર સંશોધન આધારિત પ્રયોગોને બદલે મોટા અભ્યાસ પર આધારિત પ્રયોગોઅથવા વાસ્તવિક-વિશ્વના સેટિંગના સંદર્ભમાં કરાયેલા પ્રયોગોમાંથી એકત્ર કરાયેલા પુરાવા પર આધારિત નીતિઓ કેવી રીતે ખતરનાક બની શકે છે તે વિશે વાંચો.
- ભારતના પાંચ રાજ્યોમાં ગ્રામીણ રોજગારની સ્થિતિ વિશે જાણો.




